SANKALP SAVERA ગાંધીનગર: તૌકતે વાવાઝોડાએ વિનાસ સર્જતાં સૌથી વધારે નુકશાન ખેતીવાડીને થયું છે. ખેતરોમાં ઉભા પાક સાફ થઇ ગયાં છે તો આંબાવાડી અને નાળીયરી સહિતનો બાગાયતી ખેતી પણ નિષ્ફળ ગઇ છે. ફળાઉ ઝાડ પડી જતાં આગામી પાંચ વર્ષ સુધી તેમા ફળ આવે તેવી શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રનો ખેડૂત અને પશુપાલક દસ વર્ષ પાછળ ધકેલાઇ ગયો છે ત્યારે આ તૌકતે વાવાઝોડાએ ગાંધીનગર જિલ્લામાં પણ નુકશાની સર્જી હતી.
ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાએ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે. આ વિનાશક વાવાઝોડામાં સૌથી વધારે પ્રમાણમાં બરબાદીનો ભોગ બન્યા હોય તો તે ખેડૂત વર્ગ છે. સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં વાવાઝોડું ત્રાટક્યું હતું તે જિલ્લાના ખેડૂતો દસ વર્ષ પાછળ જતા રહ્યા હોવાનું માનવામાં આવે છે.અહીંની ખેતરોમાં ઉભો પાક સાફ થઇ ગયો છે જ્યારે કેરી, નારીયેળ, ચીકુ, કેળા સહિતના ફળાઉ ઝાડ પણ પડી ગયા છે તેથી બગાયતી ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાની થઇ છે. આ તૌક્તે વાવાઝોડું તા.૧૮મીને મંગળવારે ગાંધીનગર જિલ્લામાં પણ ત્રાટક્યું હતું અને અહીં પણ ઉભા પાકને પાડી દીધો હતો. પવન સાથે વરસાદ ખાબકતા પાકને વધુ અસર થઇ હતી.
ગાંધીનગરમાં ત્રાટકેલા આ વિનાશક વાવાઝોડામાં જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા ઉનાળુ બાજરી જુવાર, શાકભાજી અને ઘાસચારાના પાકોનો નાશ થવા પામ્યો છે. એક બાજુ કોરોના મહામારીમાં શાકભાજી અને અન્ય પાકોના બજારભાવ મળી રહ્યા નથી અને બીજી બાજુ વાવાઝોડા એ વરસાદના કારણે ખેડૂતોને મોમાં આવેલો કોળિયો ઝુંટવાઇ જતાં જગતનો તાત આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે. અનાજના પાક અને પશુપાલન માટેના ઘાસચારાના પાક નિષ્ફળ થઇ જવાથી જિલ્લાનો ખેડૂત વર્ગ પણ બેહાલ બન્યો છે.પાક નિષ્ફળતાને લઇ સરકાર દ્વારા સર્વે કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી સમગ્ર જિલ્લાના ખેડૂત વર્ગોની માંગ ઉઠવા પામી છે.સત્વરે આર્થિક સહાય આપવામાં આવે તો તેના ઉપયોગથી ખેડૂત ખરીફ પાક લઇ શકે.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ દહેગામ તાલુકાના ખેડૂતોને થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.












